મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના કૃષિ મહોત્સવ


મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે સ્વસ્થ તથા સુંદર શૈશવની રાજય સરકારની પ્રચંડ ઇચ્છાશકિતનો અસંદિગ્ધ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, રાજયમાં અંગ-વિકૃતિ તથા ચહેરાના અવયવોની ક્ષતિ સાથે જન્મેલા બાળકોનું રાજયવ્યાપી સર્વેક્ષણ હાથ ધરાઇ રહયું છે અને આગામી જુન માસથી આવા ભૂલકાંઓ-બાળકોની અદ્યતન ચિકિત્સા પધ્ધતિ વડે શસ્ત્રક્રિયા કરીને તેમને તંદુરસ્ત-સુંદર નવજીવન બક્ષવાનો સરકારે નિર્ધાર કર્યો છે. રાજયની ભાવિ પેઢી સ્વસ્થ સુંદર અને ચેતનવંતી બની રહે તે માટે રાજય સરકારના આ અત્યંત સરાહનીય નિર્ણયને ધરતીપુત્રોએ ઉલ્લાસભેર વધાવી લીધો હતો.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે આદિજાતિ બહુલા મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મધ્ય ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લાઓના મેગા કૃષિ મહોત્સવને દબદબાભેર ખુલ્લો મૂકયો ત્યારે ઉપસ્થિત હજજારો કૃષકોએ આ અવસરને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલાં પશુ આરોગ્ય મેળાને ખુલ્લો મૂકી શીંગડાના કેન્સરથી પીડાતા એક વૃષભ પર થતી જટિલ શસ્ત્રક્રિયા નિહાળી હતી. તેમણે મધ્ય ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કૃષિમેળા સહ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ દરેક સ્ટોલ પર સૂક્ષ્મ પૂછપરછ કરીને જરૂરી દોરવણી આપી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટી અને મહિસાગર જિલ્લા પ્રશાસનના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત ધરતીપુત્રોને સંબોધન કરતા શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે, રાજયમાં દૂધ ઉત્પાદન તેમજ કૃષિ ઉત્પાદનમાં ઉત્તરોતર વૃધ્ધિ થતી હોવા છતાં ભૂલકાંઓનું કુપોષણ એક સમસ્યા હતી અને દરેક સમારંભોમાં સન્માનવિધિ ફળોથી કરવાની નવી પરંપરા પ્રસ્થાપિત કરીને આ ફળો આંગણવાડીના ભૂલકાંઓ માટે આપવાનું અમે શરૂ કર્યુ, જે કુપોષણ સામે એક અમોધ શસ્ત્ર બની રહયું છે.
તેમણે કહયું કે, કન્યા કેળવણીને રાજયમાં પ્રચંડ વેગ મળે તે માટે કન્યા કેળવણી અભિયાન આદરીને સરકારે શૈક્ષણિક સંસ્થાઓને લાયબ્રેરી કોમ્પ્યુટર, પુસ્તકાલયો સહિતની શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવી આપી છે. જનતા તરફથી આ કન્યા કેળવણી નિધિમાં મળેલા પુણ્ય દાનમાંથી અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા છતાં આ નિધિમાં રૂા.૮૦ કરોડ જેટલી માતબર રકમ બચી છે.
મુખ્યમંત્રીએ પોતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાને મળેલી ભેટ સોગાદો તોષાખાનામાં જમા કરાવીને તેની જાહેર હરાજી થકી મળતી આવક કન્યા કેળવણી નિધિમાં આપવાની સ્થાપેલી ઉમદા પ્રણાલિને આગળ ધપાવીને પોતાને જાહેર સમારંભોમાં મળતી ભેટ-સોગાદો તેઓ પણ રાજયના તોષાખાનામાં જમા કરાવી આ રકમનો કન્યા કેળવણીમાં ઉપયોગ કરી રહયા છે તેવી જાહેરાત કરી હતી.
તેમણે અહીં યોજાયેલા મેગા પશુ શિબિરમાં પશુઓ પર થયેલી ક્રિટિકલ સર્જરી નિહાળી પશુ ચિકિત્સકોને અભિનંદન આપી, તંદુરસ્ત પશુધન થકી રાજયના કૃષિ દૂધ ઉત્પાદનમાં વિપુલ માત્રામાં થયેલી વૃધ્ધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આવા શૃંખલાબધ્ધ પશુશિબિરો રાજયના ખૂણેખૂણામાં યોજીને અબોલ પશુધનની શ્રેષ્ઠતમ ચિકિત્સા થાય તેવી સરકારની અભિલાષા છે. આવા શિબિરોના પગલે રાજયના પશુઓમાં અગાઉ જોવા મળતા ૧૬૧ જેટલા રોગોમાંથી મોટાભાગના રોગો નાબૂદ થઇ શકયા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતોએ બજારમાં મળતા સસ્તા બિયારણોની લાલચમાં ન પડતા સરકાર દ્વારા પ્રમાણિત ઉમદા બિયારણ રાહતદરે ખરીદીને વિપુલ પાક ઉત્પાદન મેળવવું જોઇએ. ખેડૂત સમૃધ્ધ બને તેવી રાજય સરકારની નિતાંત મહેચ્છા છે, અને તેથી જ સરકાર ખેડૂતોના આંગણે આવી કૃષિલક્ષી અનેકવિધ યોજનાઓ લઇને આવી પહોંચી છે.
તેમણે ઘરઘર શૌચાલય બનાવવાની પોતાની પ્રબળ ઇચ્છાશકિતનો નિર્દેશ કરતાં કહયું કે, મહિલાઓ-કિશોરીઓ-વૃધ્ધાઓના સ્વાસ્થ્ય માટે તેમજ તેમનો મલાજો જળવાઇ રહે તે માટે રાજય સરકારની “ઘરઘર શૌચાલય” યોજનાનો લાભ લઇ આ નૈતિક જવાબદારી અદા કરવા સમાજના તમામ વર્ગોએ અગ્રેસર બનવું જોઇએ. આ માત્ર સામાજિક જ નહીં પરંતુ તમામની નૈતિક જવાબદારી પણ છે. આ માટે દૃઢ સંકલ્પ, દીકરી પ્રત્યેનો પ્રેમ તથા વૃધ્ધ મા-બાપ પ્રત્યેના આદર અનુકંપાની જરૂરત હોવાનું તેમણે જણાવ્યું હતું.
શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે, રાજય સરકારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મળી બે નવી યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુસર સ્થાપી છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે લગાવ વધ્યો છે. તેમણે કહયું કે, પબ્લિક હેલ્થ યુનિવર્સિટીના નિર્માણ દ્વારા ગામેગામ નાગરિકો સ્વસ્થ રહે અને રોગોને ઉગતા પહેલા જ ડામી શકાય તે માટેનું અભિયાન સરકાર શરૂ કરી રહી છે. આ યુનિવર્સિટી દ્વારા રોગો સામે જાગૃતિનું કામ હાથ ધરવામાં આવશે.
તેમણે કહયું કે, માનવ શરીરના અંગોના પ્રત્યાર્પણની પ્રવૃતિ થકી મહામૂલું માનવજીવન બચાવી શકાય તે માટે અમદાવાદમાં કિડની ટ્રાંસ-પ્લાન્ટ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે. જેમાં માનવશરીરનાં વિવિધ અંગોનું અદ્યતન પધ્ધતિ વડે પ્રત્યાર્પણ કરવામાં આવશે. સરકાર શરીરનાં અવયવોના મૃત્યુ પશ્ચાત દાન માટેની લોકજાગૃતિનું કાર્ય કરી રહી છે.
મધ્ય ગુજરાતના જિલ્લાઓની વિવિધ સંસ્થા-સંગઠનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય અભિવાદન કરાયું હતું. તેમના હસ્તે પ્રગતિશીલ કિસાનોને જિલ્લા સ્તરીય “આત્મા” એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. કૃષિ ઉપકરણો, ઉમદાબિયારણ ખરીદવા કૃષિકોને આ પ્રસંગે નાણાંકિય સહાય પણ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે આપવામાં આવી હતી. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી વચ્ચે ટેકનોલોજી ટ્રાંસફરના એમઓયુ આ પ્રસંગે હસ્તાક્ષર કરાયા હતા.
ગુજરાતે દેશના ખેડૂતને કૃષિ શિક્ષિત બનાવ્યા છે તેવી લાગણી વ્યક્ત કરતા શિક્ષણ મંત્રીશ્રી ભુપેદ્રસિંહજી ચુડાસમાએ સફળ ખેતીનો મંત્ર અને સુત્ર આપતા સપ્રમાણ બિયારણ, ખાતર, દવા અને પાણીના વપરાશથી પોષણક્ષમ ખેતી કરવાની તેમજ વધુ લાભદાયક સજીવ ખેતી અપનાવવાની ભલામણ કરી હતી તેમણે હવામાન, સંજોગો, બજાર વ્યવસ્થા અને સમાજની બદલાતી પસંદ પ્રમાણે ખેતી કરવાની કળા કૃષિ મહોત્સવોએ શીખવાડી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાતે ખેતીને આપેલા મહત્વને કારણે રાજ્યમાં વાવેતર હેઠળના પિયત વિસ્તારમાં ૧૧૪ લાખ હેક્ટર્સનો વધારો થયો છે. તેવી જાણકારી આપતા કાયદા મંત્રી અને મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે કમોસમી માવઠાને અનુલક્ષીને કૃષિ નુકશાન સામે મળવાપાત્ર રકમમાં વધારો કરીને રાજ્ય સરકાર ખેડૂતોના પડખે રહી છે.
૮૧ જેટલી કૃષિ ઉપયોગી સાધન સામગ્રીમાં રાજ્ય સરકાર સબસીડી આપે છે તેવી જાણકારી આપતા કૃષિ રાજ્ય મંત્રી જશાભાઇ બારડે જણાવ્યું હતુંકે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા કૃષિ મહોત્સવે દેશમાં ગુજરાતને કૃષિ વિકાસનું મોડેલરાજ્ય બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આપદા ગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે રૂા.૧૧૦૦ કરોડનું રાહત પેકેજ આપ્યું છે. મહિલા સશક્તિકરણ પ્રેરક જેન્ડર બજેટ ગુજરાતની વિશેષતા બન્યું છે. તેવી લાગણી વ્યક્ત કરતા માર્ગ અને મકાન રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યના વિકાસને નવી ગતિશીલતા આપી છે.
મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓના ત્રીજા પ્રાદેશીક કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, સાંસદશ્રી જસવંતસિંહજી ભાભોર, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી જેઠાભાઇ ભરવાડ, રમેશભાઇ કટારા, નિમિશાબહેન સુથાર, હિરાભાઇ પટેલ, અરવિંદસિંહજી, પૂર્વ મંત્રીશ્રી દિલીપભાઇ સાંઘાણી , પ્રફુલ્લભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને બોર્ડ નિગમના અધ્યક્ષો, કૃષિ અને કામધેનું યુનિવર્સીટીઓનાકુલપતિઓ, શ્રી ભરતભાઇ પંડ્યા, ઇલાબા જાડેજા સહિત પક્ષ પદાધિકારીઓ, જિલ્લા પ્રભારી સચિવ શ્રી ટી નટરાજન, કૃષિ અને સહકાર વિભાગના અગ્રસચિવ ડૉ. અરૂણકુમાર સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જી ગોહીલ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચઅધિકારીશ્રીઓ અગ્રણી,ઓ અને ખેડૂતો સહિત નાગરિક સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. પ્રારંભમાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય વતી ડૉ.જે.બી કથીરીયાએ સહૂને આવકાર્યા હતા.